આજે ઘણા દિવસો પછી હું બ્લોગ ઉપર એક કવિતા મુકું છું.
સપનું…!!
ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે -
આ બધાં જ સંપનાઓ હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ જ નહીં આવે !
February 7, 2010 at 7:29 am
ખુબ સરસ રીતે વર્ણન કર્યું છે..માણસ કોઈક નાં દુખે પણ દુખી થઈ શકે છે?
હા,તમારી રચનાં તો એજ કહે છે કે માણસ કોઈક નાં દુખે પણ દુખી થઈ શકે છે.
April 3, 2010 at 3:27 am
so touchy….as usual…congrats..