પગફેરો..!!

Posted January 8, 2010 by એષા
Categories: અછાંદસ

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

ડેથ સર્ટિફિકેટ…!

Posted January 8, 2010 by એષા
Categories: અછાંદસ

પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!

Posted January 8, 2010 by એષા
Categories: અછાંદસ

આજે ઘણા દિવસો પછી હું બ્લોગ ઉપર એક કવિતા મુકું છું.

સપનું…!!

ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે –
આ બધાં જ સંપનાઓ હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ જ નહીં આવે !

?

Posted August 25, 2009 by એષા
Categories: અછાંદસ

હું હમણાં આઉં છું,
એવું કહીને ‘કોઈ’ જાય
પછી પાછું આવે જ નહીં,
આપણે રાહ જોતાં હોઈએ તો પણ…!
દિવસો વર્ષો થઈ જાય તો પણ…!
ત્યારે એવું થાય કે,
સૂકાઈ ગયેલાં આંસુઓ
આંખ સાથેનો છેડો ફાડી નાંખે.
પછી,
મોબાઈલ પર ફ્લેશ થતાં પ્રત્યેક નામમાં –
મેસેજનાં બીપમાં –
મંદિરનાં ઘંટમાં –
ડોરબેલનાં અવાજમાંથી
મરી પરવારેલી
એમનાં પાછા ફરવાની આતુરતાને
અગ્નિદાહ દેવાની ય જરૂર નહીં પડે…!
અને તો ય –
એ હવે પાછાં નહીં જ ફરે એવું મન મનાવી લીધાં પછી પણ,
અચાનક
એકાદી સાંજે
કારણ વગર બંધ દરવાજાં સુધી પહોંચી ગયેલી નજરને
પાછી વાળતાં
આંખ ભારી કેમ થઈ જાય છે?
મન,
એમને ફરીવાર કઈ રીતે મળી શકાયનાં પેંતરાઓ રચવામાં જ
આખો દિવસ કેમ વ્યસ્ત રહે છે,
એ સમજાતું નથી…!!

તને ચુપકે થી રોવાનું ફાવે?

Posted August 19, 2009 by એષા
Categories: ગીત

લાગણીના તંતુઓ તુટતા કે તોડતા
                           સંબંધને રડવું ના આવે?
             આંખો તો નાની છે કેટલીયે નાની
                          તો ય સઘળું યે એમાં સમાવે
                            બોલ, તને ચુપકે થી રોવાનું ફાવે?

           વણદીધેલા કોલનો ડૂમો ભરાય ને
                            યાદ આવે દીધેલા કોલ
            ઝાંપે થી પાછું કોઈ આવશે નહિ
                           નહિ સંભળાશે શરણાઈ કે ઢોલ..
            ખુલ્લી અગાશીએ સાંજ પડે તો યે આકાશ ના ઝૂકવા આવે 
                                        હિંચકાને ખાલીપો સાલે..!

            તંતુ જો સ્નેહના તુટતા હો આમ
                      તો પાન નું ખરવું યે સમજી જવાય
              જીવતરના દાખલા ખોટા પડે
                      તો આંકડા ને બદલી ફરી ગણી શકાય?
             હૈયાની તિરાડો લંબાતી જાય, એનો એક્ષ રે ક્યાંથી કઢાવે?
                            કોઈ ફોટા માં લાગણી દેખાડે ! 
                            તને ચુપકેથી રોવાનું ફાવે?

આજે હું બ્લોગ ઉપર ‘પેન-ડ્રાઈવ’ ના મારા આર્ટીકલ્સના થોડા અંશો મુકું છું.

Posted August 19, 2009 by એષા
Categories: પેન-ડ્રાઈવ, પ્રકિર્ણ

જે થાય છે એ બધું સારા માટે જ થતું હોય છે એ વાત પર શ્રદ્ધા રાખશો તો જિંદગીની લડાઈઓ સામે ટકી જશો. સામા પ્રવાહે તરવા કરતા પ્રવાહની દિશામાં વહ્યા કરવું એમાં જ શાણપણ છે. એવું સમજાય જાય પછી જીંદગી એક નવા જ અર્થ માં સમજાતી  હોય છે. અને એ અર્થ ચોક્કસ જ મજાનો  હોય છે.

———

ઘણીવાર ઘણા સંબંધોમાં પ્રતીક્ષા જરૂરી હોય છે. પ્રતીક્ષાની તીવ્રતા તમારા સંબંધની મજબૂતાઈ નક્કી કરતી હોય છે. અફેક્શન અને પ્રેમ વચ્ચેનો ભેદ નક્કી કરવા હવે ના ઘણા ટિનેજેર્સ્ પ્રતીક્ષાનો સહારો લેતા હોય છે. ગમતી વ્યક્તિની રાહ જોવાની પણ એક મજા હોય છે. રાહ જોતા હોઈએ ત્યારે આપણી
રિસ્ટવોચનો સમય અટકી જતો હોય છે. કેલેન્ડરમાં તારીખો ફરતે થયેલા કુંડાળા પાછળથી આંખોની ફરતે ગોઠવાય જતા હોય છે. પછી તો મોબઈલની પ્રત્યેક રિંગ, મેસેજના પ્રત્યેક બીપ, દરવાજાની પ્રત્યેક ડોરબેલ એમના આવ્યાની પ્રતીતિ કરાવે છે અને તોયે એ તો ક્યાય હોતા જ નથી. ત્યારે ધબકારા ને ગુસ્સો આવે છે. આંખોમાં ઉતરી આવેલી ભીનાશ ગળાને સાવ સુક્કું કરી જાય છે. મન ચીસો પાડી પાડીને એમને બુમો પડતું હોય છે ત્યારે ચાર દીવાલોની વચ્ચે રહેલી શૂન્યતા પવનમાં ઠોકાતી બારીની જેમ મન સાથે ઠોકાયા કરે છે. મને રાહ જોવાની ગમે છે પણ એ પાછા આવશે જ ની ખાતરી હોય તો જ..
——-

ઉગતો સુરજ મને ગમે છે. આંખોમાં સપનાઓના ડૂબવાનો સમય થાય ત્યારે સુરજના ઉગવાનો સમય થતો હોય છે. આ કોઈ જોગાનુજોગ તો નથી જ. આંખોમાં ઉજાગરો અંજાયેલો હોય ત્યારે સવારને આવકારવાનું થોડું અઘરું બને છે. મન ઉપર સ્મૃતિઓનો બોજો વધી જાય ત્યારે આજ ઉપર ગઈકાલ હાવી થઇ જતી હોય છે. હું હંમેશા ગઈકાલને બાજુએ રાખીને આજને આવકારવાની કોશિશ કરું છું. અને તોયે ઘણીવાર અજાણતા જ ગઈકાલનું અનુસંધાન આજ સાથે જોડી દેતી હોઉં છું. ઘણીવાર મને સવાર કોઈ તાજી ઉગેલી કુંપણ જેવી લાગે છે. ઉગતા સુરજને જોવાની પણ એક મજા હોય છે. કશુક ડૂબે પછી કશુક ઉગતું જ હોય છેની પ્રતીતિ સાથે સવાર આવે છે. સુરજ એક જ હોય છે પણ દરેક સવાર નવી હોય છે.

——

જીંદગી ઘણીવાર ડાબો કાન જમણા હાથે પકડાવે છે. આપણી ધારણા કરતા સાવ જુદી રીતે રી-એક્ટ કરવાની જિંદગીને આદત પડી હોય ત્યારે જિંદગીનો વાંક કાઢવાને બદલે આપણી ધારણાઓ બદલી નાખવામાં શાણપણ છે. ચશ્માં પહેરેલી આંખોને સપનાઓ સાફ દેખાય એવું નથી..ચશ્માં પહેર્યા પછી પણ …ઘણીવાર ધુમ્મસને ઉકેલી શકાતું નથી. ઘણીવાર એવું બને કે રકમ અને જવાબ બેઉ ખબર હોય અને તોયે તાળો ના મળે,આવું થાય ત્યારે રકમ બદલી નાખવાને બદલે જવાબ લખી ઊંધેથી ગણિત માંડવું જોઈએ

—-

દેશ, તું મને સમજાય છે જયારે હું કોઈ પારકા દેશની ધરતી પર હોઉં છું ત્યારે.ત્યારે હું મારા ભૂરા રંગના પાસપોર્ટની ડાબી બાજુએ નેશનાલીટીના ખાનાની સામે લખેલા “ઇન્ડિયન” શબ્દને વાંચ્યા કરું છું એકધારું..મને રસ છે તારી સાથેનું મારું અનુસંધાન જળવાય રહે એમાં. તું મારા માટે ખાસ છે કારણકે મારો સંબંધ તારી માટી સાથેનો છે. આજે મારે તારી સાથે થોડી વાતો શેર કરવી છે. થોડો ફેરફાર કરવો છે તારામાં. આમ તો  આપણે જેને પ્રેમ કરીએ એ વ્યક્તિને એવીને એવી જ સ્વીકારી લેવાની હોય પણ મારે તને શીખવવું છે લાગણીઓને કોરાણે મુકીને થોડું કડક થતા.

–આંખોને સપનાઓ ફૂટે એ અવસ્થા મને ગમી છે હમેશા અને સપનાઓ ફૂટવાની એ અવસ્થાને હું જીંદગી કહું છું. તું મને ગમે છે. મેં તને ચાહી પણ છે અને ધિક્કારી પણ છે. મેં તને દિલ ફાડીને પ્રેમ કર્યો છે. તારું મારી સાથે હોવું સતત જરૂરી છે એટલે નહિ પણ જયારે તું મારી સાથે રહી છે એ પ્રત્યેક પળ મને જીવવી ગમી છે એટલા માટે. જોકે મને હજી પણ તારી હયાતી સમજાય નથી. શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચેના સમય દરમિયાન તું જન્મે છે. બર્થ-ડે કેક પર ગોઠવાયેલી મીણબત્તીને ફૂંક મરાયા પછી તારા હોવાપણાની ઉજવણી થાય છે. પણ તું મને સમજાવ કે વીતી ગયા છે એ વર્ષો જીંદગી છે કે જે જીવવાના બાકી છે એ વર્ષો જીંદગી છે?

થોડી ગપસપ

Posted August 18, 2009 by એષા
Categories: પ્રકિર્ણ

પ્રિય વાચકમિત્રો,

છેલ્લા પંદરેક દિવસમાં મને પંદર ઈ-મેઈલ મળી. “તમે દર શનિવારે બ્લોગ પર પત્ર મુકવાનું વચન આપ્યું તો હવે પાળતા કેમ નથી?” બે-ત્રણ ઈ-મેઈલ કોલેજીયન્સની હતી. એક બાજુ મને આનંદ થયો, અને નવાઈ પણ લાગી. નવાઈ એટલા માટે કે ઊર્મીએ આ બ્લોગ બનાવીને ઓર્ડર કર્યો કે હવે નિયમિત રીતે એને અપડેટ કરતી રહેજે, પરંતુ ત્યારે વાચકોના આવા રિસ્પોન્સ વિષે જરા પણ ખ્યાલ નો’તો. સૌથી પહેલા હું મારા બધા વાચકોને થેંક-યુ કહેવા માંગું છું.અને નિયમિતપણે બ્લોગ અપડેટ નથી કરી શકતી એ માટે માફી પણ માંગું છું. આ શનિવારે હું ચોક્કસ જ પત્ર પોસ્ટ કરીશ એની ખાતરી આપું છું. આ પત્ર એક સાસુ દીકરી બનીને આવતી એની પુત્રવધુ ને આવકારવા માટે લખે છે… તો શનિવારે પાક્કો વાયદો..