Archive for જુલાઇ 2009

એક્શન રિપ્લે…!

જુલાઇ 28, 2009

આજે
ઘર ઘરની રમતમાં
એ પપ્પા બન્યો –
અને સાચુકલા પપ્પાની જેમ જ
મમ્મીની સામે
આંખોને લાલ કરીને જોયું
મમ્મી સહેજ ધીમા અવાજે બોલી
“એટલીસ્ટ છોકરાઓની હાજરી માં તો..
અને પપ્પાનો અવાજ
રોજ કરતા સહેજ મોટો થઇ ગયો,
પછી
થોડીઘણી બોલાચાલી
મમ્મીના ડુસકા-
અને પછી
બરાબર એ દિવસની જેમ જ
પપ્પાની લાલ આંખોના ઉઝરડા
મમ્મીના ગાલ પર પડી ગયા..!
પછી
પાપા બનેલો દીકરો
ખૂણામાં ગોઠવેલા ખોટુકલા વાસણોને લાત મારી
ઘરની
બહાર નીકળી ગયો
બરાબર સાચુકલા પપ્પાની જેમ જ..!
અને
દુપટ્ટાની જરા અમથી સાડીમાં લપેટાઈ
મમ્મી બનેલી દીકરી પણ
સાચુકલી મમ્મીની જેમ જ
એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી પાછું
ભેગું કરવામાં લાગી ગઈ…!

Advertisements

પ્રિય વાચકોને…

જુલાઇ 25, 2009

સૌથી પહેલા તો આ બ્લોગના તમામ વાચકોને thanks, મને અને મારી કવિતાઓને બિરદાવવા બદલ. આજથી હું મારા બ્લોગ પર દર શનિવારે એક પત્ર પોસ્ટ કરીશ. આ પત્રો હું અનિયમિતપણે સુરત દિવ્ય ભાસ્કરમાં લખું છું.

પત્રો  આજના ઈ-મેઈલ અને એસ.એમ.એસના યુગમાં લાગણીઓનું એક નવું સરનામું બને છે, કારણ કે  આપણી આંખો એ પત્રો ને વાંચતી જ નથી, પણ ગમતી અને વ્હાલી વ્યક્તિના અક્ષરોને ઉકેલે પણ છે. આજે પહેલો પત્ર “સંબંધ“ને ઉદ્દેશીને જ પોસ્ટ કર્યો છે.

આશા છે કે તમને ગમશે.

સંબંધ,તું મોબાઈલના સ્ક્રીન પર વારેવારે ફ્લેશ થતું નામ છે

જુલાઇ 25, 2009

સંબંધ,
તારા નામની આગળ પ્રિય લખ્યું નથી, કારણ કે તું મને પ્રિય છે જ. તારું હોવું મારા અસ્તિત્વને સભર કરી નાખે છે. તું મારી સાથે હોય એ અવસ્થા મને ગમી છે હમેશા. પણ મારે તને એક વાત પૂછવી છે, લાગણીઓના પીંડ બંધાયા પછી તારો જન્મ થાય છે કે પહેલા તું જન્મે છે અને પછી લાગણીઓનો પીંડ બંધાય છે. સંબંધ, તારા કરતા પહેલા લાગણીઓનું જન્મવું તને ગમે? આજે મારે તને ઘણા સવાલો પુછવા છે કારણ કે તારા માટે મને ઘણું કુતુહલ છે. તું ઘણીવાર અમને રડાવે છે, ચોધાર આંસુએ. તું અમારી પાસે આવે તો બિલ્લીપગે છે પણ, બિલ્લીપગે જ પાછા વળી જવા વાળી રીત તને ફાવતી નથી.

તને આવડે છે અમારી આંખોના મેઘધનુષને ઉકેલતા, તને રસ છે આંખો અને સપનાઓ વચ્ચેનો સંબંધ જળવાય રહે એમાં. તું બે જણ વચ્ચેનું અનુસંધાન છે, ઘણી વાર તું કોઈની આંખોમાં સપનું થઇ જાય છે. તું સ્મશાનમાં ધુમાડો થઇ જાય છે. હોસ્પીટલમાં સ્પીરીટની વાસ થઇ જાય છે. તું મોબાઈલના સ્ક્રીન પર વારેવારે ફ્લેશ થતું નામ છે, મોબાઈલ લોગમાં તું મિસ્ડ કોલના લીસ્ટમાં હોય છે. તું કોઈ વૃક્ષનો સાંજનો હિજરાપો છે. તું કોઈ મીરાના કરતાલનો તાલ છે. તું કોઈ શબરી એ ચાખેલું એઠું બોર છે. તું કોઈ રાધાની પ્રતીક્ષા છે. તારું બંધન વિશ્વાસસભર હોય છે. તને લાગણીઓની ભાષા સમજાય છે. તારા કાન આંખોનો અવાજ સાંભળી શકે છે. કદાચ એટલે જ  તારી સાથે બંધાય રહેવું મને ગમે છે. દિવસભરના ઘોંઘાટ વચ્ચેપણ હું તારું મૌન સાંભળી શકું છું અને જયારે તારું મૌન સાંભળી ના શકું ત્યારે અકળાઈ જાઉં છું.

હું તને થોડાઘણા પ્રશ્નો પૂછું છું. જરૂરી નથી કે મારા પ્રત્યેક પ્રશ્નોનો જવાબ તારે મને આપવો જ. મન થાય તો જ જવાબ આપજે. મનને સંભાળતા પણ મને તારી પાસેથી જ આવડ્યું છે. સંબંધ, કોઈની આંખોમાં તું ક્યાં સુધી રહી શકે? લાગણીઓ બોલતી હોય ત્યારે હાથે કરીને કાન પર હાથ મુકીને બહેરા થઇ જવાની રમત રમવી જ, એવું જરૂરી છે? લાગણીઓ વગર તારું અસ્તિત્વ શક્ય નથી એ વાતની તને ખબર છે? અને જો તને ખબર જ હોય તો વગર લાગણીએ પણ તું તારું અસ્તિત્વ ટકાવવા હવાતિયા કેમ મારે છે? લાગણીઓને જરૂર પડે ત્યારે બધી જ વખતે તું સમયસર પહોચી જાય? અને ધારો કે સમયસર પહોંચી ના શકાય તો તને અફસોસ થાય? સંબંધ, ક્યારેક તને લાગણીઓની ઝંખના થાય? અમારાથી દુર જતા તારી આંખો ભરાય? આ બધા જ પ્રશ્નો ના જવાબઓતું આપે જ, એની મને કોઈ ઝંખના નથી. ક્યારેક અચાનક જ બિલ્લીપગે સાવ જ પાસે આવી જવાની તારી આદત મને ગમે છે.

હવે મને આવડી ગયું છે તારી સાથેનું મારું અનુસંધાન જાળવી રાખતા. સમજણ સાથેની મારી ઓળખાણ તે પાક્કી કરાવી છે. અમારી આંખોને બંધ રાખીને તારી આંખે દુનિયા જોવાની રીત હવે માફક આવી ગઈ છે અમને.

તને ખબર છે, તારી અને લાગણી વચ્ચે એક માછલીને દરિયા સાથે હોય એવું અનુસંધાન છે. સાંજ પડે પોતાના જ વૃક્ષ તરફ પાછા ફરવાની કોઈ પંખીની આતુરતા થઇ જાય છે તું. તને શોધવો હોય તો ઘડિયાળની અંદર વસતા સમયને બાજુએ મુકવો પડે, તને પામવો હોય તો પહેલા લાગણીથી બંધાવું પડે. તને શ્વસવો હોય તો વિશ્વાસની હવા ફૂકવી પડે. તારા વિના ની લાગણીઓ પોતાના ધણથી છૂટી પડી ગયેલી ગાય જેવી છે અને લાગણીઓ વગર તારી કલ્પના કરવી ગમતી નથી અમને.

મોબઈલના સ્ક્રીન પર થતી ફ્લેશમાં ગમતું નામ નથી વંચાતું ત્યારે, બારણાની પછીતે પવાલું ઊંધું મુક્યા પછી પણ બારણે ટકોરા નથી પડતા ત્યારે, ઘરડાઘરમાં રહેતા માંનુંકાકીની દરવાજે સ્થિર થયેલી આંખો પલકારો મારે છે ત્યારે, આવા ઘણાબધા “ત્યારે” તારી હયાતી સમજાય છે અમને.
તું દુર જાય છે ત્યારે શરીરમાં ડાબી બાજુ સહેજ ઉપરની બાજુએ દુખી આવે છે અમને. અને તો એ મારે તારો આભાર માનવો છે, કારણકે તે મારી આંખોને સપનાઓ જોતી રાખી છે. મેઘધનુષના સાત રંગોને એક રંગમાં એકાકાર કરતા શીખવ્યું છે તે મને. બાકી, હવે હું આજીવન તારી ઝંખના ને કોરાણે મુકું એમ નથી. પણ મારી પાસે તું જયારે પણ આવે ત્યારે વાયા લાગણી આવજે. પહેલા આવી જઈને પછી લાગણીઓની ઝંખના કરવાની તારી રીત મને ગમતી નથી એની કદાચ તને ખબર છે.
લી,
લાગણીઓ સાથેનું તારું મજબુત અનુસંધાન ઈચ્છે છે એ “હું”

સુરજ..!!

જુલાઇ 22, 2009

ડૂબતો
સુ
ર 

એક છલોછલ
વ્હીસ્કીના જામમાં
પડતા બરફના ચોસલા જેવો..!!

સુખ …!!

જુલાઇ 21, 2009

સુખલે

ચશ્માં
પહેરેલી આંખે
ભૂતકાળમાં
અવરજવર કરી આવ્યા પછી પણ
આંખે બાઝી આવેલી ભીનાશને કારણે
ચશ્માના કાચનું ધૂંધળું ન થવું તે…!!!

મારી આંખોએ બેઠું ચોમાસું..!

જુલાઇ 20, 2009

તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો  કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!

આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?

કાળજી..!!

જુલાઇ 20, 2009

જયારે
તમે
કોઈના ચહેરાને
તમારી બેઉ હથેળી વચ્ચે લઇ
એને હળવેકથી ચૂમીને
પછી કહો કે
“ચાહું છું તને, બહુ બહુ બહુ ચાહું છું તને..!”
ત્યારે
એના ગાલ પર ઉતરી આવતી લાલાશ
એની
આંખો સુધી ન પહોંચે
બસ એટલી કાળજી રાખજો પ્લીઝ…!