ભગવાન નવેસરથી લાગણીઓનો એકડો ઘૂંટવાની તક લગ્ન વખતે જ આપે છે.

આ વખતે હું બ્લોગ ઉપર થોડો મોડો એક પત્ર પબ્લીશ કરું છું. આ પત્ર કોઈ પણ માં એની દીકરીને એના લગ્ન વખતે ગીફ્ટ કરી શકે છે. લગ્ન એ જીવનનો સૌથી અગત્યનો સંબંધ છે. લગ્ન એ લાગણીઓના સાચા સરનામે પોસ્ટ થતી સંબંધની ટપાલ છે. લગ્નની બધી રસમો માં ગઠબંધન મારી ગમતી રસમ છે. બે વ્યક્તિ વચ્ચે સ્નેહની ગાંઠ પડે એનાથી મોટી ઘટના બીજી તો કઈ હોય શકે? અને આ ગાંઠ તમને આખી જીંદગી એકમેક સાથે જોડી રાખે છે ત્યારે સ્નેહની સાક્ષીએ એક સંબંધ એના સાચા મુકામે પહોંચતો હોય છે.
આશા  રાખું છું  કે આ પત્ર તમને ગમશે…

———————-

માય ડિયરેસ્ટ ડોટર,

તારા લગ્નને હવે બરાબર વીસ દિવસ બાકી છે. ડેડીએ હવે કેલેન્ડર પર તારીખો ફરતે કુંડાળા કરવાનું બંધ કરી દીધું છે. ઘણીવાર અડધી રાતે હું ઊંઘમાંથી ઝબકીને જાગી જાઉં છું. વિચારું છું તું નહિ હોય પછી? અને પછી મને ઊંઘ આવતી જ નથી. આવી જ એક અડધી રાતે ઊંઘ ઉડી ગયા પછી તને આમ પત્ર લખવા બેઠી છું. આ પત્ર મારી પરી પાનેતર પહેરીને મ્હાયરામાં બેઠી હશે ત્યારે આશીર્વાદ સાથે એને મળશે. દીકરા, વી લવ યુ સો મચ અને કદાચ એટલે જ આપણે એકમેક સાથે ખાસ્સું એવું ઝગડ્યા છીએ. ઝગડાનું સૌથી મોટું કારણ જ પ્રેમ છે અને એ જો સમજાય જાય તો ઝગડવાની પણ એક મજા આવે છે. કારણ એ ઝગડો ક્યારેય પણ અબોલામાં પરિણમતો જ નથી. દીકરા, તારો જન્મ થયો પછી મેં અને તારા ડેડીએ નક્કી કરી લીધેલું, હવે બસ. એ પછી મેં કરાવી નાખેલા ઓપરેશને આખા ઘરમાં ઉહાપોહ મચાવેલો. મોટા પપ્પા એ કહેલું, એક વાર દીકરો આવી જવા દો. દીકરી પરણીને ચાલી જશે પછી? આ પછી પ્રશ્નનો ત્યારે પણ અમારી પાસે એ જ જવાબ હતો જે આજે છે. અમે- તારા માં અને બાપ બંને, તારા વિનાના થઈશું ત્યારે માથાના વાળથી લઈને પગના અંગુઠાના નખ સુધી હોઈશું એના કરતા વધારે ઘરડા થઇ જઈશું અને દીકરા, અમારા ઘરડા થવાને હવે માત્ર વીસ જ દિવસ બાકી છે.

તું રાજોવૃત્તિમાં પહેલીવાર આવી, ત્યારે મારી અંદર રહેલી સ્ત્રીએ ઉત્સવ ઉજવેલો પણ મારી અંદર રહેલી મા થોડી ઘબરાઈ ગયેલી. મને સમજાતું નોતું કે સસલાને ફાડી ખાવા તૈયાર ઉભેલા વરુઓ સામે મારે તને કેવી રીતે સાચવવી? બસ, આજ કારણસર તારા પરની મારી પઝેસીવનેસ બહાર ડોકાવા લાગી. બહેનપણીઓ સાથે નાઈટ શોમાં મુવી જોવા જવાનું હોય કે દોસ્તો સાથે નાઈટ સ્ટે સાથેનું પીકનીક હોય તને ના પડવાનું કારણ તારા પરનો ઓછો વિશ્વાસ જરાયે નોતો. એ અવિશ્વાસ તો અમે જોયેલા, અમે અનુભવેલા બહારના વિશ્વ પરનો હતો. અમારી ના સામે તું અમારી સાથે ઝગડતી, અમારી સાથે રીસાતી. અને ત્યારે હું તને સમજાવતી ‘બહારની દુનિયામા બધા માણસો તારા મમ્મી ડેડી નથી હોવાના!’ દીકરા, અમે નક્કી કરેલું કે તું જે કઈપણ કરવા માંગે છે એમાં તને બહુ ઓછી વખત ના પડાવી. અનેપછી જ અમને સમજાયેલું કે અમારા કરતા વધારે સારી રીતે તું પરિસ્થિતિઓને હેન્ડલ કરી શકે છે. તારી લડાઈઓ તું તારી જાતે જ લડી છે, એનો મને અને તારા ડેડીને હમેશા ગર્વ રહેવાનો છે. બેટા, આપણાં ઘરમાં તું એક પ્રિન્સેસની જેમ ઉછરી છે. કોઈપણ જાતનો અભાવ તને ના નડે, એની એક મા-બાપ તરીકે અમે બંનેએ જરૂર કરતા વધારે કાળજી રાખી છે. એક દિવસ ડાઈનીગ ટેબલ પર સફળતાની વાત થતી હતી ત્યારે તે જ ડેડીને કહેલું કે ” ડેડી, સંતાનોના સારા ઉછેર માટે સફળ માણસ હોવું જરૂરી નથી ફક્ત બાપ બનીને રહેવું જ જરૂરી છે. એ લોકો સારી રીતે ઉછરી શકે એ માટે ઘણીવાર અમુક અભાવો પણ જરૂરી બની જતા હોય છે” અને અમારા બેઉની આંખો ભીની થઇ ગયેલી. ફ્રીઝમાં ચોકલેટ નહિ જોઇને અમારાથી રિસાઈ જતી અમારી ટબુકડી આવી વાતો પણ કરી શકે એ જાણીને અમારી છાતી ફૂલીને ફાળકો થઇ ગયેલી.

ઢીંગલી સાથે રમતી, વાળ ઓલવાતી વખતે નાકે દમ લાવતી, બહેનપણીઓ સાથે બહાર જવા માટે ઝગડતી અને ઘણીબધીવાર મારી પણ મા બની જતી મારી દીકરી હવે વીસ દિવસ રહીને પરણી જવાની છે. બેટા હું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે મારા મનમાં પણ અનેક મુંઝવણો હતી. એક સાવ નવા જ વિશ્વમાં, સાવ નવા જ લોકોની વચ્ચે મારે લાગણીનો એકડો નવેસરથી ઘૂંટવાનો હતો. એ વખતે તારી નાનીએ સમજાવેલું, “લગ્ન એ સામાજિક બંધન નથી જ, લગ્ન એ લાગણીઓનું બંધન છે, જેમાં સમજોતા નહિ પણ સમજણ જરૂરી છે અને સમજણ પછી જે થાય છે એ સમજોતા રહેતા જ નથી.” દીકરા, આજે  હું પણ તને આ જ કહું છું. હવે ઘણું બધું બદલાશે. જવાબદારી અને ફરજ સમજીને કશું પણ કરે એના કરતા લાગણીઓના બંધન સામે જોઇને કરજે. તારા અથવા તો નીકેતના. પછી તું જે કઈ પણ કરશે એ સારું જ થશે. બચ્ચા, તું તારું ઘર છોડીને નથી જઇ રહી, તું તારા ઘરે જઇ રહી છે અને ચાર દીવાલોનું એ ઘર મકાન ના બની જાય એની કાળજી હવે તારે લેવાની છે. બે માણસો જયારે સાથે જીવે ત્યારે પ્રેમ નામની પરિભાષાને આધાર મળતો હોય છે. પ્રેમ ક્યારેય પણ સમજણથી નથી થતો, પણ પ્રેમ થયા પછી સમજણની ખાસ જરૂર છે. બેટા, હાથથી બધું જ છોડી દીધા પછી પણ જો હાથમાં લાગણીઓ શેષ બચતી હોય તો કશું પણ છોડતા ક્યારેય પણ અચકાતી નહિ. પછી એ ભલે કેરિયરને લગતી વાત હોય કે અમુક શોખ ને લગતી વાત હોય. બની શકે કે એ લોકો જે રીતે જીવે છે, જે રીતરીવાજો સાથે જીવે છે એના કરતા તું થોડી જુદી  રીતે જીવે અને તને કોઈ કશું જ નહિ કહે.મમ્મી-ડેડીની જેમ ટોકે પણ નહિ. કારણકે બની શકે કે એ લોકો તારું સન્માન જાળવવા ઇચ્છતા હોય. એવું ઇચ્છતા હોય કે નવું વાતાવરણ તને ગૂંગળાવી ના દે. પણ બચ્ચા,જ્યારે આપણને કોઈ કશું કરવાની ના ન પડે ત્યારે આપણી જવાબદારી વધી જતી હોય છે. એટલે એ પછી તું જે કઈ પણ કરે ત્યારે એટલું ધ્યાન રાખજે કે એ લોકોના માન-સન્માન ને ઠેસ ના પહોચે. હવે રહી વાત તારી અને નિકેતની, તો તું અમારી સાથે જેટલા વર્ષો જીવી એના કરતા પણ વધારે વર્ષો તું નિકેત સાથે જીવવાની છે. નિકેત સાથે ના તારા ઝગડાને તારા બેડરૂમની ચાર દીવાલો બહાર શ્વાસ લેવાનો મોકો નહિ આપતી, દીકરા. એક માં તરીકે હું ઈચ્છું છું કે મારી દીકરી એની હવે પછીની બધી જ લડાઈઓ કોઈને બતાવી દેવા માટે નહિ પણ એના પરિવાર માટે સમજણ સાથે લડે.

બાકી બચ્ચા, લગ્ન એ જિંદગીની સૌથી અગત્યની ઘટના છે. ભગવાન નવેસરથી લાગણીઓનો એકડો ઘૂંટવાની તક ત્યારે જ આપે છે. મારી દીકરી પાનેતર પહેરીને આ ઘરથી વિદાય લેશે પછી અમને ખબર નથી કે હું અને તારા ડેડી કેવી રીતે તારા વગરના અમારા અવકાશને ભરીશું. અમે બેઉ કોઈ કંજુસની જેમ ઈચ્છીએ છીએ કે આ વીસ દિવસ ઘડિયાળ બહુ ધીમી ચાલે. કન્કુભીના હાથે તું જ્યારે ઘરની દીવાલો પર થાપા મારશે, ત્યારે લાલ રંગનો એક ધબ્બો અમારી આંખો પર પણ પડશે.

હવે અમારી દીકરી સાથે ફોન પર જ વાતો થશે. હવે અમાર્રી દીકરી મહેમાન બનીને પર્સમાં રીટર્ન ટીકીટ લઈને આવશે, અમે એને રોકવાનો આગ્રહ કરીશું અને એ નાનપણની જેમ જ ધરાર અમારી વાત નહિ માનશે. પણ દીકરા, અમારા આગ્રહનો તું અનાદર કરશે ત્યારે તારા સુખી હોવાની અમને પ્રતીતિ થશે. જીવનની આ નવી શરૂઆત માટે તને મમ્મા-ડેડી તરફથી ઘણા બધા આશીર્વાદ.

લવ યુ સો મચ.

તારી મમ્મા.

Advertisements
Explore posts in the same categories: પત્ર, પ્રિય સંબંધ..

12 ટિપ્પણીઓ on “ભગવાન નવેસરથી લાગણીઓનો એકડો ઘૂંટવાની તક લગ્ન વખતે જ આપે છે.”

 1. milan Says:

  This what I call beauty in simplicity

  Simply awesome and really outstanding, particularly the way you have touched human emotion briefing it with all its complexity in such a simple words.

  “ઝગડાનું સૌથી મોટું કારણ જ પ્રેમ છે અને એ જો સમજાય જાય તો ઝગડવાની પણ એક મજા આવે છે.”

  “લગ્ન એ સામાજિક બંધન નથી જ, લગ્ન એ લાગણીઓનું બંધન છે, જેમાં સમજોતા નહિ પણ સમજણ જરૂરી છે અને સમજણ પછી જે થાય છે એ સમજોતા રહેતા જ નથી.”

  “સંતાનોના સારા ઉછેર માટે સફળ માણસ હોવું જરૂરી નથી ફક્ત બાપ બનીને રહેવું જ જરૂરી છે. એ લોકો સારી રીતે ઉછરી શકે એ માટે ઘણીવાર અમુક અભાવો પણ જરૂરી બની જતા હોય છે”

 2. nutansurti Says:

  khub lagnisabhar…khub j sundar !


 3. સુંદર પત્ર…

  “હાથથી બધું જ છોડી દીધા પછી પણ જો હાથમાં લાગણીઓ શેષ બચતી હોય તો કશું પણ છોડતા ક્યારેય પણ અચકાતી નહિ.” આ શીખ બહુ ગમી.

  એષા, તારા આ આખા પત્રમાં ‘મા’ ની જગ્યાએ ‘માં’ લખેલું જોયું એટલે મેં ભગવદ્વોમંડલમાં ચેક કર્યું… તો ત્યારે જ ખ્યાલ આવ્યો કે ‘મા’ અને ‘માં’ બંને લખી શકાય છે. 🙂

  • milan Says:

   “હાથથી બધું જ છોડી દીધા પછી પણ જો હાથમાં લાગણીઓ શેષ બચતી હોય તો કશું પણ છોડતા ક્યારેય પણ અચકાતી નહિ.”

   Love means sacrifice but it also means happiness of your beloved, if you really love than mostly you will not required to loose, except in unavoidable circumstances.

   If he have feeling and understanding, isn’t it possible that he should also respect her feelings and decision?
   Its quite obvious that whatever decision she will take it will not for HER it will be for THEM.

 4. Pinki Says:

  “હાથથી બધું જ છોડી દીધા પછી પણ જો હાથમાં લાગણીઓ શેષ બચતી હોય તો કશું પણ છોડતા ક્યારેય પણ અચકાતી નહિ.”

  superb !
  and hope, atleast emotions remain !! in any relationship.

 5. krishna Says:

  kai kehva layak chhej nahi..bas fakt laganio no dhodhmar varsad chhhe…

 6. Nilay Lakdawala Says:

  A letter jo koi ma ke dikri e vanchyo hase to eni ankho ma ansu zarzariya jarror avya hase.

  Kadach jyare dikri na lagn najik hoi to ava ketlay vicharo ma -bap ne bhini lagnio thi bhari de che..

  pan atli uttam rite koi na dil ne darshavu e sehlu nathi…
  Simply awesome..

  aava ghana lagnio ane man na setu jeva patro tame lakho evi subhecha

 7. kashmira bhatt Says:

  shu lakhu vachi ne dil bhari thai gayu ane aankh bhari aavi.ati ati uttam

 8. nilam doshi Says:

  અભિનંદન..ખૂબ સરસ પત્ર લખેલ છે.

  આવા પત્રો ” દીકરી મારી દોસ્ત”માં તમને અચૂક દેખાશે.
  પરંતુ હું તો એક મા છું..અને આ ઘટના મેં અનુભવી છે..જયારે તમે તો હજુ એ ઉમરે પહોંચવાના શ્રીગણેશ પણ નથી કર્યા..અને દીકરી જ હોવા છતાં માની કલમ હાથમાં પકડીને લખ્યું તે માટે સલામ…
  તમારો વહુને સંબોધાને લખાયેલ પત્ર પણ વાંચેલ અને ત્યારે એમ જ થયું હતું કે તમારે ચોક્કસ વહુ હોવાની જ..
  પછી ખબર પડી કે…

  એની વે…અભિનંદન


 9. ઈશા….. ખુબ જ લાગણી સભર પત્ર છે….

  હું આમ તો સુરત, ગુજરાત થી છુ પણ હાલ કેનેડા માં રહું છુ. અને અવિવાહિત છુ.

  અને આ પત્ર વાંચતી વખતે મને મારા સુરતના છેલ્લા દિવસો યાદ આવી ગયા… કારણ તો એટલું જ કહી શકું કે… મેં જયારે સુરત છોડી લંડન માં સ્થાયી થવાની વાત મારા માતા – પિતા ને કરી ત્યારે મને પરવાનગી મળે તે પેહલા જ મારી વ્હાલી માં.ની આંખો માં થી આન્શુઓની ધારા વહેવા લાગી હતી…. અને તમારા પત્ર માં જે લાગણી, સાવચેતી ઓનું શબ્દોમાં વર્ણન થયું છે તે જ લાગણી અને સાવચેતીઓની ઝાખી મેં તેમની આંખોમાં જોય હતી…. અને જયારે હું સુરત થી વિદાય લીધી ત્યારે મારા માંનું મારા માટે નું અંતિમ સંબોધન એ હતું કે

  “તને ના પડવાનું કારણ તારા પરનો ઓછો વિશ્વાસ જરાયે નોતો. એ અવિશ્વાસ તો અમે જોયેલા, અમે અનુભવેલા બહારના વિશ્વ પરનો હતો.”

  અને આજે હું લંડન બાદ થોડા દિવસો પેહલા જ કેનેડા સ્થાયી થઇ છુ…. અને જયારે પણ બહાર ની દુનિયાને નિહારું છુ ત્યારે મારી માં ના શબ્દો મારા કાનમાં ટકોર કરે છે…..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: