Archive for the ‘પ્રિય સંબંધ..’ category

ભગવાન નવેસરથી લાગણીઓનો એકડો ઘૂંટવાની તક લગ્ન વખતે જ આપે છે.

ઓગસ્ટ 4, 2009

આ વખતે હું બ્લોગ ઉપર થોડો મોડો એક પત્ર પબ્લીશ કરું છું. આ પત્ર કોઈ પણ માં એની દીકરીને એના લગ્ન વખતે ગીફ્ટ કરી શકે છે. લગ્ન એ જીવનનો સૌથી અગત્યનો સંબંધ છે. લગ્ન એ લાગણીઓના સાચા સરનામે પોસ્ટ થતી સંબંધની ટપાલ છે. લગ્નની બધી રસમો માં ગઠબંધન મારી ગમતી રસમ છે. બે વ્યક્તિ વચ્ચે સ્નેહની ગાંઠ પડે એનાથી મોટી ઘટના બીજી તો કઈ હોય શકે? અને આ ગાંઠ તમને આખી જીંદગી એકમેક સાથે જોડી રાખે છે ત્યારે સ્નેહની સાક્ષીએ એક સંબંધ એના સાચા મુકામે પહોંચતો હોય છે.
આશા  રાખું છું  કે આ પત્ર તમને ગમશે…

———————-

માય ડિયરેસ્ટ ડોટર,

તારા લગ્નને હવે બરાબર વીસ દિવસ બાકી છે. ડેડીએ હવે કેલેન્ડર પર તારીખો ફરતે કુંડાળા કરવાનું બંધ કરી દીધું છે. ઘણીવાર અડધી રાતે હું ઊંઘમાંથી ઝબકીને જાગી જાઉં છું. વિચારું છું તું નહિ હોય પછી? અને પછી મને ઊંઘ આવતી જ નથી. આવી જ એક અડધી રાતે ઊંઘ ઉડી ગયા પછી તને આમ પત્ર લખવા બેઠી છું. આ પત્ર મારી પરી પાનેતર પહેરીને મ્હાયરામાં બેઠી હશે ત્યારે આશીર્વાદ સાથે એને મળશે. દીકરા, વી લવ યુ સો મચ અને કદાચ એટલે જ આપણે એકમેક સાથે ખાસ્સું એવું ઝગડ્યા છીએ. ઝગડાનું સૌથી મોટું કારણ જ પ્રેમ છે અને એ જો સમજાય જાય તો ઝગડવાની પણ એક મજા આવે છે. કારણ એ ઝગડો ક્યારેય પણ અબોલામાં પરિણમતો જ નથી. દીકરા, તારો જન્મ થયો પછી મેં અને તારા ડેડીએ નક્કી કરી લીધેલું, હવે બસ. એ પછી મેં કરાવી નાખેલા ઓપરેશને આખા ઘરમાં ઉહાપોહ મચાવેલો. મોટા પપ્પા એ કહેલું, એક વાર દીકરો આવી જવા દો. દીકરી પરણીને ચાલી જશે પછી? આ પછી પ્રશ્નનો ત્યારે પણ અમારી પાસે એ જ જવાબ હતો જે આજે છે. અમે- તારા માં અને બાપ બંને, તારા વિનાના થઈશું ત્યારે માથાના વાળથી લઈને પગના અંગુઠાના નખ સુધી હોઈશું એના કરતા વધારે ઘરડા થઇ જઈશું અને દીકરા, અમારા ઘરડા થવાને હવે માત્ર વીસ જ દિવસ બાકી છે.

તું રાજોવૃત્તિમાં પહેલીવાર આવી, ત્યારે મારી અંદર રહેલી સ્ત્રીએ ઉત્સવ ઉજવેલો પણ મારી અંદર રહેલી મા થોડી ઘબરાઈ ગયેલી. મને સમજાતું નોતું કે સસલાને ફાડી ખાવા તૈયાર ઉભેલા વરુઓ સામે મારે તને કેવી રીતે સાચવવી? બસ, આજ કારણસર તારા પરની મારી પઝેસીવનેસ બહાર ડોકાવા લાગી. બહેનપણીઓ સાથે નાઈટ શોમાં મુવી જોવા જવાનું હોય કે દોસ્તો સાથે નાઈટ સ્ટે સાથેનું પીકનીક હોય તને ના પડવાનું કારણ તારા પરનો ઓછો વિશ્વાસ જરાયે નોતો. એ અવિશ્વાસ તો અમે જોયેલા, અમે અનુભવેલા બહારના વિશ્વ પરનો હતો. અમારી ના સામે તું અમારી સાથે ઝગડતી, અમારી સાથે રીસાતી. અને ત્યારે હું તને સમજાવતી ‘બહારની દુનિયામા બધા માણસો તારા મમ્મી ડેડી નથી હોવાના!’ દીકરા, અમે નક્કી કરેલું કે તું જે કઈપણ કરવા માંગે છે એમાં તને બહુ ઓછી વખત ના પડાવી. અનેપછી જ અમને સમજાયેલું કે અમારા કરતા વધારે સારી રીતે તું પરિસ્થિતિઓને હેન્ડલ કરી શકે છે. તારી લડાઈઓ તું તારી જાતે જ લડી છે, એનો મને અને તારા ડેડીને હમેશા ગર્વ રહેવાનો છે. બેટા, આપણાં ઘરમાં તું એક પ્રિન્સેસની જેમ ઉછરી છે. કોઈપણ જાતનો અભાવ તને ના નડે, એની એક મા-બાપ તરીકે અમે બંનેએ જરૂર કરતા વધારે કાળજી રાખી છે. એક દિવસ ડાઈનીગ ટેબલ પર સફળતાની વાત થતી હતી ત્યારે તે જ ડેડીને કહેલું કે ” ડેડી, સંતાનોના સારા ઉછેર માટે સફળ માણસ હોવું જરૂરી નથી ફક્ત બાપ બનીને રહેવું જ જરૂરી છે. એ લોકો સારી રીતે ઉછરી શકે એ માટે ઘણીવાર અમુક અભાવો પણ જરૂરી બની જતા હોય છે” અને અમારા બેઉની આંખો ભીની થઇ ગયેલી. ફ્રીઝમાં ચોકલેટ નહિ જોઇને અમારાથી રિસાઈ જતી અમારી ટબુકડી આવી વાતો પણ કરી શકે એ જાણીને અમારી છાતી ફૂલીને ફાળકો થઇ ગયેલી.

ઢીંગલી સાથે રમતી, વાળ ઓલવાતી વખતે નાકે દમ લાવતી, બહેનપણીઓ સાથે બહાર જવા માટે ઝગડતી અને ઘણીબધીવાર મારી પણ મા બની જતી મારી દીકરી હવે વીસ દિવસ રહીને પરણી જવાની છે. બેટા હું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે મારા મનમાં પણ અનેક મુંઝવણો હતી. એક સાવ નવા જ વિશ્વમાં, સાવ નવા જ લોકોની વચ્ચે મારે લાગણીનો એકડો નવેસરથી ઘૂંટવાનો હતો. એ વખતે તારી નાનીએ સમજાવેલું, “લગ્ન એ સામાજિક બંધન નથી જ, લગ્ન એ લાગણીઓનું બંધન છે, જેમાં સમજોતા નહિ પણ સમજણ જરૂરી છે અને સમજણ પછી જે થાય છે એ સમજોતા રહેતા જ નથી.” દીકરા, આજે  હું પણ તને આ જ કહું છું. હવે ઘણું બધું બદલાશે. જવાબદારી અને ફરજ સમજીને કશું પણ કરે એના કરતા લાગણીઓના બંધન સામે જોઇને કરજે. તારા અથવા તો નીકેતના. પછી તું જે કઈ પણ કરશે એ સારું જ થશે. બચ્ચા, તું તારું ઘર છોડીને નથી જઇ રહી, તું તારા ઘરે જઇ રહી છે અને ચાર દીવાલોનું એ ઘર મકાન ના બની જાય એની કાળજી હવે તારે લેવાની છે. બે માણસો જયારે સાથે જીવે ત્યારે પ્રેમ નામની પરિભાષાને આધાર મળતો હોય છે. પ્રેમ ક્યારેય પણ સમજણથી નથી થતો, પણ પ્રેમ થયા પછી સમજણની ખાસ જરૂર છે. બેટા, હાથથી બધું જ છોડી દીધા પછી પણ જો હાથમાં લાગણીઓ શેષ બચતી હોય તો કશું પણ છોડતા ક્યારેય પણ અચકાતી નહિ. પછી એ ભલે કેરિયરને લગતી વાત હોય કે અમુક શોખ ને લગતી વાત હોય. બની શકે કે એ લોકો જે રીતે જીવે છે, જે રીતરીવાજો સાથે જીવે છે એના કરતા તું થોડી જુદી  રીતે જીવે અને તને કોઈ કશું જ નહિ કહે.મમ્મી-ડેડીની જેમ ટોકે પણ નહિ. કારણકે બની શકે કે એ લોકો તારું સન્માન જાળવવા ઇચ્છતા હોય. એવું ઇચ્છતા હોય કે નવું વાતાવરણ તને ગૂંગળાવી ના દે. પણ બચ્ચા,જ્યારે આપણને કોઈ કશું કરવાની ના ન પડે ત્યારે આપણી જવાબદારી વધી જતી હોય છે. એટલે એ પછી તું જે કઈ પણ કરે ત્યારે એટલું ધ્યાન રાખજે કે એ લોકોના માન-સન્માન ને ઠેસ ના પહોચે. હવે રહી વાત તારી અને નિકેતની, તો તું અમારી સાથે જેટલા વર્ષો જીવી એના કરતા પણ વધારે વર્ષો તું નિકેત સાથે જીવવાની છે. નિકેત સાથે ના તારા ઝગડાને તારા બેડરૂમની ચાર દીવાલો બહાર શ્વાસ લેવાનો મોકો નહિ આપતી, દીકરા. એક માં તરીકે હું ઈચ્છું છું કે મારી દીકરી એની હવે પછીની બધી જ લડાઈઓ કોઈને બતાવી દેવા માટે નહિ પણ એના પરિવાર માટે સમજણ સાથે લડે.

બાકી બચ્ચા, લગ્ન એ જિંદગીની સૌથી અગત્યની ઘટના છે. ભગવાન નવેસરથી લાગણીઓનો એકડો ઘૂંટવાની તક ત્યારે જ આપે છે. મારી દીકરી પાનેતર પહેરીને આ ઘરથી વિદાય લેશે પછી અમને ખબર નથી કે હું અને તારા ડેડી કેવી રીતે તારા વગરના અમારા અવકાશને ભરીશું. અમે બેઉ કોઈ કંજુસની જેમ ઈચ્છીએ છીએ કે આ વીસ દિવસ ઘડિયાળ બહુ ધીમી ચાલે. કન્કુભીના હાથે તું જ્યારે ઘરની દીવાલો પર થાપા મારશે, ત્યારે લાલ રંગનો એક ધબ્બો અમારી આંખો પર પણ પડશે.

હવે અમારી દીકરી સાથે ફોન પર જ વાતો થશે. હવે અમાર્રી દીકરી મહેમાન બનીને પર્સમાં રીટર્ન ટીકીટ લઈને આવશે, અમે એને રોકવાનો આગ્રહ કરીશું અને એ નાનપણની જેમ જ ધરાર અમારી વાત નહિ માનશે. પણ દીકરા, અમારા આગ્રહનો તું અનાદર કરશે ત્યારે તારા સુખી હોવાની અમને પ્રતીતિ થશે. જીવનની આ નવી શરૂઆત માટે તને મમ્મા-ડેડી તરફથી ઘણા બધા આશીર્વાદ.

લવ યુ સો મચ.

તારી મમ્મા.

Advertisements

સંબંધ,તું મોબાઈલના સ્ક્રીન પર વારેવારે ફ્લેશ થતું નામ છે

જુલાઇ 25, 2009

સંબંધ,
તારા નામની આગળ પ્રિય લખ્યું નથી, કારણ કે તું મને પ્રિય છે જ. તારું હોવું મારા અસ્તિત્વને સભર કરી નાખે છે. તું મારી સાથે હોય એ અવસ્થા મને ગમી છે હમેશા. પણ મારે તને એક વાત પૂછવી છે, લાગણીઓના પીંડ બંધાયા પછી તારો જન્મ થાય છે કે પહેલા તું જન્મે છે અને પછી લાગણીઓનો પીંડ બંધાય છે. સંબંધ, તારા કરતા પહેલા લાગણીઓનું જન્મવું તને ગમે? આજે મારે તને ઘણા સવાલો પુછવા છે કારણ કે તારા માટે મને ઘણું કુતુહલ છે. તું ઘણીવાર અમને રડાવે છે, ચોધાર આંસુએ. તું અમારી પાસે આવે તો બિલ્લીપગે છે પણ, બિલ્લીપગે જ પાછા વળી જવા વાળી રીત તને ફાવતી નથી.

તને આવડે છે અમારી આંખોના મેઘધનુષને ઉકેલતા, તને રસ છે આંખો અને સપનાઓ વચ્ચેનો સંબંધ જળવાય રહે એમાં. તું બે જણ વચ્ચેનું અનુસંધાન છે, ઘણી વાર તું કોઈની આંખોમાં સપનું થઇ જાય છે. તું સ્મશાનમાં ધુમાડો થઇ જાય છે. હોસ્પીટલમાં સ્પીરીટની વાસ થઇ જાય છે. તું મોબાઈલના સ્ક્રીન પર વારેવારે ફ્લેશ થતું નામ છે, મોબાઈલ લોગમાં તું મિસ્ડ કોલના લીસ્ટમાં હોય છે. તું કોઈ વૃક્ષનો સાંજનો હિજરાપો છે. તું કોઈ મીરાના કરતાલનો તાલ છે. તું કોઈ શબરી એ ચાખેલું એઠું બોર છે. તું કોઈ રાધાની પ્રતીક્ષા છે. તારું બંધન વિશ્વાસસભર હોય છે. તને લાગણીઓની ભાષા સમજાય છે. તારા કાન આંખોનો અવાજ સાંભળી શકે છે. કદાચ એટલે જ  તારી સાથે બંધાય રહેવું મને ગમે છે. દિવસભરના ઘોંઘાટ વચ્ચેપણ હું તારું મૌન સાંભળી શકું છું અને જયારે તારું મૌન સાંભળી ના શકું ત્યારે અકળાઈ જાઉં છું.

હું તને થોડાઘણા પ્રશ્નો પૂછું છું. જરૂરી નથી કે મારા પ્રત્યેક પ્રશ્નોનો જવાબ તારે મને આપવો જ. મન થાય તો જ જવાબ આપજે. મનને સંભાળતા પણ મને તારી પાસેથી જ આવડ્યું છે. સંબંધ, કોઈની આંખોમાં તું ક્યાં સુધી રહી શકે? લાગણીઓ બોલતી હોય ત્યારે હાથે કરીને કાન પર હાથ મુકીને બહેરા થઇ જવાની રમત રમવી જ, એવું જરૂરી છે? લાગણીઓ વગર તારું અસ્તિત્વ શક્ય નથી એ વાતની તને ખબર છે? અને જો તને ખબર જ હોય તો વગર લાગણીએ પણ તું તારું અસ્તિત્વ ટકાવવા હવાતિયા કેમ મારે છે? લાગણીઓને જરૂર પડે ત્યારે બધી જ વખતે તું સમયસર પહોચી જાય? અને ધારો કે સમયસર પહોંચી ના શકાય તો તને અફસોસ થાય? સંબંધ, ક્યારેક તને લાગણીઓની ઝંખના થાય? અમારાથી દુર જતા તારી આંખો ભરાય? આ બધા જ પ્રશ્નો ના જવાબઓતું આપે જ, એની મને કોઈ ઝંખના નથી. ક્યારેક અચાનક જ બિલ્લીપગે સાવ જ પાસે આવી જવાની તારી આદત મને ગમે છે.

હવે મને આવડી ગયું છે તારી સાથેનું મારું અનુસંધાન જાળવી રાખતા. સમજણ સાથેની મારી ઓળખાણ તે પાક્કી કરાવી છે. અમારી આંખોને બંધ રાખીને તારી આંખે દુનિયા જોવાની રીત હવે માફક આવી ગઈ છે અમને.

તને ખબર છે, તારી અને લાગણી વચ્ચે એક માછલીને દરિયા સાથે હોય એવું અનુસંધાન છે. સાંજ પડે પોતાના જ વૃક્ષ તરફ પાછા ફરવાની કોઈ પંખીની આતુરતા થઇ જાય છે તું. તને શોધવો હોય તો ઘડિયાળની અંદર વસતા સમયને બાજુએ મુકવો પડે, તને પામવો હોય તો પહેલા લાગણીથી બંધાવું પડે. તને શ્વસવો હોય તો વિશ્વાસની હવા ફૂકવી પડે. તારા વિના ની લાગણીઓ પોતાના ધણથી છૂટી પડી ગયેલી ગાય જેવી છે અને લાગણીઓ વગર તારી કલ્પના કરવી ગમતી નથી અમને.

મોબઈલના સ્ક્રીન પર થતી ફ્લેશમાં ગમતું નામ નથી વંચાતું ત્યારે, બારણાની પછીતે પવાલું ઊંધું મુક્યા પછી પણ બારણે ટકોરા નથી પડતા ત્યારે, ઘરડાઘરમાં રહેતા માંનુંકાકીની દરવાજે સ્થિર થયેલી આંખો પલકારો મારે છે ત્યારે, આવા ઘણાબધા “ત્યારે” તારી હયાતી સમજાય છે અમને.
તું દુર જાય છે ત્યારે શરીરમાં ડાબી બાજુ સહેજ ઉપરની બાજુએ દુખી આવે છે અમને. અને તો એ મારે તારો આભાર માનવો છે, કારણકે તે મારી આંખોને સપનાઓ જોતી રાખી છે. મેઘધનુષના સાત રંગોને એક રંગમાં એકાકાર કરતા શીખવ્યું છે તે મને. બાકી, હવે હું આજીવન તારી ઝંખના ને કોરાણે મુકું એમ નથી. પણ મારી પાસે તું જયારે પણ આવે ત્યારે વાયા લાગણી આવજે. પહેલા આવી જઈને પછી લાગણીઓની ઝંખના કરવાની તારી રીત મને ગમતી નથી એની કદાચ તને ખબર છે.
લી,
લાગણીઓ સાથેનું તારું મજબુત અનુસંધાન ઈચ્છે છે એ “હું”